બનાસકાંઠાની થરાદ સેશન્સ કોર્ટે ચાર વર્ષ જૂના સગીરાના અપહરણ અને દુષ્કર્મ પ્રકરણમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીને સખત સજા ફટકારવાની સાથે, તપાસમાં ખોટા નામો આપી નિર્દોષ લોકોને હેરાન કરનાર ફરિયાદી પક્ષને પણ આકરો દંડ ફટકારી લાલ આંખ કરી છે.
થરાદ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ચાર વર્ષ અગાઉ વાવ તાલુકા પંથકની એક સગીરાને મુકેશ શંકરભાઈ ઠાકોર નામનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ મામલે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ આ ગુનામાં મુકેશ ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોવાની રજૂઆત પોલીસ સમક્ષ કરી હતી.
આરોપીને 20 વર્ષની કેદ
આ કેસ થરાદના નામદાર સેશન્સ જજ પી.એમ. સાયાણીની કોર્ટમાં ચાલી જતા, સરકારી વકીલ આર.ડી. જોશીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. કોર્ટે મુખ્ય આરોપી મુકેશ ઠાકોરને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને ₹૧ લાખનો દંડ ફટકાર્યો છે.
નિર્દોષો માટે કોર્ટની સંવેદના અને ફરિયાદીને દંડ
આ કેસમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોર્ટે જોયું કે ફરિયાદીએ અન્ય ચાર વ્યક્તિઓના નામ ખોટી રીતે આપ્યા હતા. પોલીસ તપાસમાં આરોપી તરીકે દર્શાવેલા આ ચારેય વ્યક્તિઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. એટલું જ નહીં, ખોટી રીતે સંડોવણી બદલ કોર્ટે ફરિયાદીને ₹૩ લાખનો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો: Veraval: ગીરસોમનાથ પોલીસ એક્શન મોડમાં, કાર, મોબાઈલ અને દારૂના જથ્થા સાથે બે બુટલેગરો જેલભેગા