હોળી અને ધુળેટીના તહેવારો નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા છે, ત્યારે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે વેરાવળ GIDC વિસ્તારમાં દરોડા પાડી દારૂના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


વેરાવળ GIDCમાં પોલીસના દરોડા

ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેરાવળ GIDC વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની કુલ 178 બોટલો ઝડપી પાડી હતી. આ દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને પણ સ્થળ પરથી દબોચી લેવામાં આવ્યા છે.

દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

પોલીસે આ કામગીરી દરમિયાન માત્ર દારૂ જ નહીં, પરંતુ હેરાફેરીમાં વપરાતી કાર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹3.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તહેવારો પૂર્વે કડક ચેકિંગ

ઉલ્લેખનીય છે કે, હોળી-ધુળેટીના પર્વ પર દારૂની હેરાફેરી વધતી હોય છે, જેને રોકવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સતર્ક બની છે. આ કેસમાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Bharuch: વેડચ પોલીસે 7 મહિનાથી ફરાર દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી

  • Follow us on: