વાવ-થરાદ જિલ્લાના થરાદમાંથી એક દુઃખદ અને ચકચારી ઘટના સામે આવી છે. થરાદના રાડકા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કેનાલના પાણીમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
કેનાલમાં મૃતદેહ તરતો જોઈ સ્થાનિકોએ તંત્રને નણ કરી
ઘટનાની મળતી માહિતી અનુસાર, થરાદ તાલુકાના રાડકા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલના પાણીમાં એક યુવકનો મૃતદેહ તરતો હોવાનું સ્થાનિક રાહદારીઓ અને ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું. કેનાલમાં મૃતદેહ હોવાની ખાતરી થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક આપત્તિ વ્યવસ્થાપન અને સ્થાનિક પ્રશાસનને આ અંગે જાણ કરી હતી.
ફાયર બ્રિગેડની 1 કલાકની ભારે જહેમત
ઘટનાની માહિતી મળતાની સાથે જ થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ રાડકા ફાટક નજીક કેનાલના પાણીમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યું હતું. આશરે એક કલાકની ભારે જહેમત અને કડક મથામણ બાદ યુવકના મૃતદેહને કેનાલના ઊંડા પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
મોતનું કારણ અકબંધ, પરિવારમાં માતમ
કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યા બાદ સ્થાનિકોની મદદથી તેની ઓળખ વિધિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યુવકની ઓળખ થતાં જ તેના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને કાયદેસરની પ્રક્રિયા બાદ મૃતદેહ પરિવારને સુપ્રત કરવામાં આવ્યો છે. યુવકના અકાળે અવસાનથી પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.
જોકે, આ યુવક કેનાલમાં કેવી રીતે પડ્યો? આ આત્મહત્યાનો મામલો છે, અકસ્માતે પગ લપસવાની ઘટના છે કે પછી અન્ય કોઈ કારણ, તે હજુ સુધી જાણી શકાયું નથી. યુવકના મોતનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Tharad News: વાવમાં ડીઝલની અછતની અફવાએ ખેડૂતોમાં ફફડાટ, પેટ્રોલ પંપ પર કેરબાઓની લાંબી કતારો, સુરક્ષાના નિયમો નેવે મૂકી જોખમી સંગ્રહ!