વાવ-થરાદ જિલ્લામાં ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની અફવા ફેલાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. વાવ-થરાદ હાઈવે પર આવેલા જીઓ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ ખેડૂતોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. ખેતીની સિઝન વચ્ચે ડીઝલ નહીં મળે તેવી ફાળ પડતા લોકો હોબાળો મચાવી રહ્યા છે.
પ્લાસ્ટિકના કેરબાઓમાં ડીઝલનો જોખમી સંગ્રહ
સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર વાહનોની લાઈન જોવા મળતી હોય છે, પરંતુ અહીં દ્રશ્યો ચોંકાવનારા છે. ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને ગાડીઓમાં 4 થી 5 મોટા પ્લાસ્ટિકના કેરબાઓ લઈને પંપ પર પહોંચ્યા છે. 200-200 લીટરના પ્લાસ્ટિકના પાત્રોમાં બેરોકટોક ડીઝલ ભરવામાં આવી રહ્યું છે. જ્વલનશીલ પદાર્થનો આ પ્રકારે સંગ્રહ કરવો એ સુરક્ષાના નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાડવા સમાન છે.
મોટી હોનારત સર્જાવાની ભીતિ
પ્લાસ્ટિકના ડબ્બાઓમાં ડીઝલ ભરીને તેનું પરિવહન કરવું એ અત્યંત જોખમી છે. જો પરિવહન દરમિયાન નાની સરખી ચિનગારી પણ ઉઠે, તો મોટી આગ લાગી શકે છે અને જાનહાનિ સર્જાઈ શકે છે. પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરાવવાને બદલે ખુલ્લેઆમ કેરબાઓમાં ડીઝલ આપવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો
અફવાને કારણે લોકો પડાપડી કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવે અને જોખમી રીતે થતા ડીઝલના વેચાણ પર રોક લગાવવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો વાવ-થરાદ હાઈવે પર કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે.
આ પણ વાંચો - Tharad: ભારતમાલા હાઈવે પરથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ