બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં અન્નદાતા ગણાતા ખેડૂતો પર વીજ કંપનીની મનમાની અને જોહુકમી ભારે પડી રહી છે. વાવ-થરાદ વિસ્તારમાં આવેલા કૂંડાળીયા ફીડર હેઠળના ગામોમાં છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. આ અંગે જ્યારે પીડિત ખેડૂતોએ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી, ત્યારે અધિકારીઓએ ખેડૂતોની મદદ કરવાને બદલે એક અત્યંત અજીબ અને તઘલખી આદેશ સંભળાવી દીધો છે.
અધિકારીઓનો અજીબ આદેશ: 'ઝાડ કાપો તો જ વીજળી મળશે'
મળતી માહિતી મુજબ, વીજ લાઈનમાં નડતરૂપ ઝાડની ડાળીઓ કાપવાની જવાબદારી નિયમ મુજબ વીજ કંપનીના લાઈનમેન કે કર્મચારીઓની હોય છે, પરંતુ અહીં UGVCL ના અધિકારીઓએ ખેડૂતોને જ સાફ શબ્દોમાં કહી દીધું છે કે, "તમે પોતે ઝાડ કાપો, તો જ વીજળી ચાલુ કરવામાં આવશે." અધિકારીઓના આ બેજવાબદાર અને અજીબ આદેશને કારણે ખેડૂતો ભારે વિમાસણમાં મુકાયા છે. વીજતંત્રની આ કમરતોડ નીતિ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાણી વગર પાક સુકાઈ રહ્યો છે, ખેડૂતો પાયમાલ થવાની આરે
છેલ્લા પાંચ-પાંચ દિવસથી વીજળી ન હોવાને કારણે ખેતરોમાં કુવા અને ટ્યુબવેલ બંધ પડ્યા છે. પાણીના અભાવે ખેડૂતોનો કિંમતી પાક ખેતરોમાં જ સુકાઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, જો આગામી સમયમાં તાત્કાલિક વીજળી પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને વાવેલો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જશે. પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાના આરે આવીને ઊભા રહી ગયા છે.
જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ
વીજતંત્રની આ ખુલ્લી મનમાની અને લુખ્ખી દાદાગીરી સામે ખેડૂતો એકજૂથ થયા છે. આક્રોશિત ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને કૂંડાળીયા ફીડર તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની અને ખેડૂતોને કનડગત કરતા તેમજ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા UGVCLના લાઇનમેન અને અધિકારીઓ વિરૂદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરી છે.
આ પણ વાંચો - Tharad News: વાવના મોરીખા ગામના તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ