વાવ-થરાદ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં આજે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લાના મહત્વના એવા દિયોદર તાલુકા પંચાયતમાં ભારે રાજકીય વિવાદ, આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે શનિવારે સવારે 11 વાગ્યે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તાલુકા પંચાયતના ઓફિશિયલ મિટિંગ હોલમાં આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેને લઈને બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.
કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 બેઠક
મળતી વિગતો અનુસાર, દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો છે. તાજેતરના રાજકીય સમીકરણો અને પરિણામો મુજબ બહુમતીનો આંકડો કોંગ્રેસની પાસે દેખાઈ રહ્યો છે. 22 બેઠકોમાંથી 12 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 10 બેઠકો છે.
અગાઉ બે વખત ચૂંટણી મોકૂફ રહી હતી
આ મજબૂત ખેંચતાણ અને તોડજોડની રાજનીતિની આશંકા વચ્ચે અગાઉ સભ્યોની નારાજગી તેમજ વહીવટી કારણોસર બે-બે વખત ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. કોંગ્રેસે અગાઉ પોતાના સભ્યોને ભાજપના પંજામાંથી બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સનો પણ આશરો લીધો હોવાની ચર્ચા છે.
લોખંડી પોલીસ બંદોબસ્ત
વાવ-થરાદ જિલ્લાની રચના બાદ પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ પ્રથમ મોટી સ્થાનિક ચૂંટણીમાં આજે કોઈ અનિચ્છનીય ઘટના કે ઘર્ષણ ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પંચાયત કચેરી અને મિટિંગ હોલની આસપાસ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા છે. રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસ પોતાની પાતળી બહુમતી સાચવીને પ્રમુખ પદ કબજે કરે છે કે ભાજપ છેલ્લી ઘડીએ કોઈ મોટો રાજકીય ઉલટફેર કરે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો---- Trumpની ‘રેડ લાઇન’ સામે ઈરાન ઝૂકશે? 2 કલાક ચાલેલી હાઈ-વોલ્ટેજ બેઠક પણ અનિર્ણાયક