ડિજિટલ ઇન્ડિયાના યુગમાં આજે લગભગ દરેક સરકારી યોજના બાયોમેટ્રિક અને ફિંગરપ્રિન્ટ પર આધારિત બની ગઈ છે. પરંતુ સરહદી વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછેણા ગામમાં એક એવી ઘટના સામે આવી છે, જ્યાં કુદરતની અનોખી પરિસ્થિતિ કેટલાક પરિવારો માટે મુશ્કેલી બની ગઈ છે.
બે પરિવારોના કુલ 18 સભ્યોના હાથમાં ફિંગરપ્રિન્ટ નથી
ગામના બે પરિવારોના કુલ 18 સભ્યોના હાથમાં ફિંગરપ્રિન્ટ ન હોવાના કારણે તેઓ અનેક સરકારી યોજનાઓથી વંચિત રહી રહ્યા છે. ફિંગરપ્રિન્ટ ન આવતાં તેમને રેશન, આધાર આધારિત સેવાઓ અને બેંકિંગ સુવિધાઓનો લાભ મળતો નથી.
બાયોમેટ્રિક મશીન તેમને ઓળખી શકતું નથી
વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછેણા ગામમાં રહેતા આ લોકો કોઈ ગુનેગાર નથી, પરંતુ તેમની સજા એટલી જ છે કે તેમના હાથમાં ફિંગરપ્રિન્ટ જ નથી. વંશપરંપરાગત રીતે આ 18 સભ્યોની આંગળીઓ પર રેખાઓ નથી, જેના કારણે બાયોમેટ્રિક મશીન તેમને ઓળખી શકતું નથી.
આધાર કાર્ડ બનાવવા મુશ્કેલી પડે છે
ફિંગરપ્રિન્ટ ન આવવાને કારણે આધાર કાર્ડ બનાવવા મુશ્કેલી પડે છે અને આધાર વિના અનેક સરકારી સેવાઓથી તેઓ વંચિત રહી જાય છે. રેશનકાર્ડમાં નામ હોવા છતાં બાયોમેટ્રિક ચકાસણી ન થતા તેમને અનાજ મળતું નથી. આ પરિવારોનું કહેવું છે કે તેઓ અનેકવાર રેશન દુકાન અને સરકારી કચેરીઓના ચક્કર લગાવી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
કલેક્ટર કચેરી સુધી અનેકવાર રજૂઆત
ગામના સરપંચનું કહેવું છે કે આ મુદ્દે તાલુકા કચેરીથી લઈ કલેક્ટર કચેરી સુધી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી યોગ્ય વ્યવસ્થા થઈ નથી.
રેખા વગરના હાથોને તેમનો હક ક્યારે મળશે
એક તરફ સરકાર ડિજિટલ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ જ્યારે ટેકનોલોજી નિષ્ફળ જાય ત્યારે સામાન્ય લોકો માટે વિકલ્પ શું? હવે સવાલ એ છે કે શું ટેકનોલોજી માનવતાથી મોટી બની ગઈ છે? જો બાયોમેટ્રિક સિસ્ટમ કામ ન કરે, તો શું આ પરિવારોને તેમના હકથી વંચિત રહેવું પડશે? હવે જોવું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને આ રેખા વગરના હાથોને તેમનો હક ક્યારે મળશે.
આ પણ વાંચો---- વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર