ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે 12 દિવસ પૂર્વે એટલે કે 11મી નવેમ્બરના રોજ હુડકો સોસાયટીમાં બનેલી મહિલાના શંકાસ્પદ મોતની ઘટનામાં પોલીસે મર્ડરનો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પાડોશી યુવકે જ મહિલાને મોતને ઘાટ ઉતારી હતી અને આ હત્યારો યુવક સિરિયલ કિલર હોવાનું પણ સામે આવ્યું છે.
શંકાસ્પદ મોતનું મર્ડરમાં રૂપાંતરણ
વેરાવળની હુડકો સોસાયટીમાં આવેલી માનવ રેસિડેન્સીમાં રહેતા ભાવનાબેન ચાંડેગરાનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. મૃતકના ઘરમાં ટેબલ પર ઈન્જેક્શન, હાથ પર સોયના નિશાન, ગાદલામાં લોહીના ડાઘા અને શરીર પરથી સોનાના દાગીના ગાયબ હોવાથી પોલીસે હત્યાની પૂરી શક્યતા સાથે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં મૃતકના ઘરની નજીક જ રહેતો યુવક શ્યામ ચૌહાણ શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસને મોટી કડી ત્યારે મળી જ્યારે શ્યામ ચૌહાણ મહિલાના લૂંટેલા સોનાના દાગીના ગીરવે મૂકવા ગયો હતો.










