વેરાવળ-સુત્રાપાડા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કદવાર ગામ નજીક આવેલી દ્વારકેશ હોટલ પાસે બે ટ્રક વચ્ચે થયેલી આ અથડામણમાં ટ્રકચાલક સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત એટલો પ્રચંડ હતો કે પાછળના ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
વેરાવળ -સુત્રાપાડા રોડ પર અકસ્માત
મળતી માહિતી મુજબ, વેરાવળ-સુત્રાપાડા રોડ પર એક ટ્રક રસ્તાની સાઈડમાં ઉભો હતો. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા અન્ય એક ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઉભેલા ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે પાછળના ટ્રકના કેબિનનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો.
બે ટ્રક વચ્ચે અકસ્માત
અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના સ્થાનિકો અને રસ્તે પસાર થતા રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ ટ્રકમાં ફસાયેલા ચાલક અને અન્ય એક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સુત્રાપાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવહાર હળવો કરી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અથવા બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Banaskantha: થરાદ APMCમાં હોળીના પર્વે મીની વેકેશન, આજથી 4 માર્ચ સુધી હરાજીનું કામકાજ સંપૂર્ણ બંધ