ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉમરેઠી ગામેથી એક કંપારી છૂટી જાય તેવી ભયાનક ઘટના સામે આવી છે. અહીં આવેલા હિરણ ડેમના કિનારે એક પરપ્રાંતીય શ્રમિક (મજૂર) પરિવાર હાજર હતો, ત્યારે પાણીમાંથી અચાનક એક વિશાળકાય મગર ધસી આવ્યો હતો. મગરે કિનારે ઉભેલા પરિવારના 11 વર્ષના માસૂમ બાળક પર હિંસક તરાપ મારી હતી અને તેને જડબામાં દબોચી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
તંત્ર અને ફાયર બ્રિગેડ દોડ્યા
આ કાળજું કંપાવતી દુર્ઘટના નજરે જોતાં જ પરિવારજનોએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવતાં વેરાવળના મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર બ્રિગેડનો મોટો કાફલો તાબડતોબ ઉમરેઠી ગામે હિરણ ડેમ ખાતે પહોંચી ગયો હતો.













