ગુજરાતનું મહેસાણા રાજકારણનું પાવર સેન્ટર હોવાની સાથે-સાથે હવે નેતાઓના ઓડિયો ક્લિપ કાંડનું પણ મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. મહેસાણા જિલ્લા ભાજપના નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં રાજકીય ગલિયારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ ક્લિપમાં ચૂંટણીમાં ટિકિટ અને પક્ષ પલટાના બદલામાં મળતા કરોડો રૂપિયાના ફંડિંગને લઈને અત્યંત સ્ફોટક વાતો સંભળાઈ રહી છે.

મને બે કરોડ રૂપિયા આપ્યા હતા

વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય સી.જે.ચાવડા એવું કહેતા સંભળાય છે કે, "હું જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે કોંગ્રેસમાંથી (ભાજપમાં) આવ્યો હતો એના કારણે મને બે કરોડ રૂપિયા આપ્યા હતા. બાકી સામાન્ય રીતે પક્ષ પચાસ લાખ રૂપિયાથી ઉપર એક પૈસોય આપતો નથી."

 ચૂંટણીના મેનેજમેન્ટ અંગે પણ ચોંકાવનારી ચર્ચા

આ ઉપરાંત ક્લિપમાં સ્થાનિક સ્તરની ચૂંટણીના મેનેજમેન્ટ અંગે પણ ચોંકાવનારી ચર્ચા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં સર્વે કરીને ઉમેદવારોને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવાના છે, અને જે સાવ ગરીબ હોય તેને ચૂંટણી લડવા માટે પચાસ હજાર રૂપિયાની મદદ કરાય છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયની હોઈ શકે

 અનુમાન મુજબ, આ ઓડિયો ક્લિપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયની હોઈ શકે છે. આ ક્લિપ વાયરલ થતાં જ ભાજપની આંતરિક જૂથબંધી ફરી એકવાર ચર્ચે ચડી છે. જોકે, આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતા કે તેની પુષ્ટિ કોઈ સત્તાવાર સ્ત્રોત દ્વારા કરવામાં આવી નથી, પરંતુ મહેસાણા ભાજપના નેતાઓની ઉપરાઉપરી વાયરલ થતી ક્લિપોએ હાઈકમાન્ડની ચિંતા ચોક્કસ વધારી દીધી છે.


આ પણ વાંચો----      Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું