તાપી જિલ્લાના વ્યારા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક સ્થળોની આસપાસ પશુઓના મૃતદેહો અને તેમના અંગો ફેંકવાની વિકૃત ઘટનાઓ સામે આવી રહી છે. વ્યારાના પાનવાડી ગામે આવેલા શિવાલય નજીક નવજાત પશુઓના રઝળતા અંગો અને અસહ્ય ગંદકી જોવા મળતા સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.


ધર્મસ્થાનોની પવિત્રતા જોખમાઈ

મળતી માહિતી મુજબ, પાનવાડી ગામે શિવાલયની આસપાસના વિસ્તારમાં નવજાત પશુઓના મૃતદેહો અને શરીરના હિસ્સાઓ વેરવિખેર હાલતમાં મળી આવ્યા છે. આ વિસ્તારમાં ફેલાયેલી દુર્ગંધ અને પશુઓના અવશેષોને કારણે પવિત્ર વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. સ્થાનિક યુવાનોએ આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવતા જણાવ્યું છે કે, જાણીજોઈને કોઈ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે.

વારંવાર બનતી ઘટનાઓ

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ વ્યારાના જનક નાકા નજીકથી પણ પશુનો રઝળતો પગ મળી આવ્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ધર્મસ્થાનોની મર્યાદા જળવાય અને રોગચાળો ન ફેલાય તે માટે પોલીસ અને નગરપાલિકા દ્વારા આ મામલે ગંભીર તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. શું આ કોઈ કાવતરું છે કે પછી કતલખાનાઓ દ્વારા ફેલાવવામાં આવતી ગંદકી, તે તપાસનો વિષય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: