અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળાનો રંગચંગે પ્રારંભ થઈ ગયો છે. ભાવિક ભક્તો પગપાળા માં અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ત્યારે અન્ય શ્રદ્ધાળુઓ પણ સરળતાથી અંબાજી સુધીની મુસાફરી કરી શકે તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહેસાણામાં નવીન 70 બસનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
7 સપ્ટેમ્બર સુધી અંબાજી માટે બસોનું સંચાલન કરાશે
નવીન બસોના લોકાર્પણ સમારોહમાંગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ હાજર રહ્યા, ભાદરવી પૂનમ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. 2024–25માં 1963 અને 2025-26માં 2025 બસો સંચાલનમાં મૂકવામાં આવશે, આમ કુલ 4013 નવીન બસો સંચાલનમાં મૂકવામાં આવશે. સુપર એક્સપ્રેસ 2413, ગુર્જર નગરી 550 બસો, સ્લીપર 100, મીડી 750, પ્રીમિયર રેડી બિલ્ટ 200. ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2023થી 31 ઓગસ્ટ 2025 સુધી 3,295 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં દૈનિક 25 લાખથી વધારી 27 લાખ મુસાફરો લાભ લેશે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમને લઈને અંબાજી જવા માટે બસોનું સંચાલન કરવામાં આવશે.
પોલીસને હાથમાં લાકડી સજાવટ માટે નથી આપી : હર્ષ સંઘવી
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આપને માં અંબાના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, જે એક ડગલું ચાલી ન શકતા હોય એવા કિલોમીટરો ચાલીને અંબાજી જતા હોય છે, એમની સુવિધાઓ માટે નવીન બસો એક્સ્ટ્રા બસોની સુવિધાઓ અપાઈ છે. આજે 70 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દર્શનાર્થીઓ માટે 5500 એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે ચોરી કે રોમિયોગીરી કોઈ કરશે તો ચારે દિશામાં કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને જો કોઈ આવી હિંમત કરે તો પોલીસને હાથમાં લાકડીએ સજાવટ માટે નથી આપી તેની સંપૂર્ણ સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.