મહેસાણાના બહુચરાજીમાં વીજ કંપનીની કથિત બેદરકારીને કારણે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોને વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં કિસ્મત ઠાકોર નામના 10 વર્ષના માસૂમ બાળકનું વીજ કરંટને કારણે કરુણ મોત નીપજ્યું છે. બહુચરાજીના ઇન્દિરા નગર વિસ્તારમાં આ પરિવાર રહે છે. સવારે 10 વર્ષનો કિસ્મત ઠાકોર પોતાના ઘરના બાથરૂમનો દરવાજો ખોલવા ગયો હતો.


એક જ પરિવારના પાંચ લોકોને લાગ્યો વીજકરંટ

તે સમયે બાથરૂમના દરવાજાને ઉપરથી પસાર થતી વીજ સર્વિસ લાઇનનો તાર સ્પર્શતા તેને કરંટ લાગ્યો હતો. જેવો કિસ્મતે દરવાજો ખોલ્યો કે તરત જ તેને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તે ત્યાં જ ફસાઈ ગયો હતો. બાળકની ચીસ સાંભળીને તેના પરિવારના અન્ય સભ્યો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. બાળકને બચાવવાના પ્રયાસમાં અન્ય ચાર લોકોને પણ વીજ કરંટ લાગ્યો હતો. જોકે અન્ય લોકોનો બચાવ થયો હતો.

બાથરૂમ પરથી પસાર થતી વીજલાઇનમાં ખામીનો આરોપ

પરંતુ વીજ કરંટની તીવ્રતાને કારણે 10 વર્ષના કિસ્મત ઠાકોરનું મોત નીપજ્યું હતું. સ્થાનિકો અને પરિવારજનોએ આ કરુણ દુર્ઘટના માટે વીજ કંપનીની બેદરકારીને જવાબદાર ગણાવી છે. બાથરૂમ પરથી પસાર થતી સર્વિસ લાઇનના કારણે આ બાળકનો ભોગ લેવાયો હોવાનો તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: