મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મોરવડ, કુંડળ, મિઠીયા, તાબેનવા અને અમરાપુરા ગામોના ખેડૂતો ઉપર મોટી કુદરતી કે જીવાતની આપત્તિ આવી પડી છે. આ પાંચેય ગામોના ખેતરોમાં એરંડાના પાકમાં ઈયળોનો અત્યંત ભારે ઉપદ્રવ જોવા મળ્યો છે. ઈયળોના આ આતંકના કારણે એરંડાના પાકના લીલાછમ છોડ સંપૂર્ણપણે નાશ પામવાની આરે આવી ગયા છે અને સ્થિતિ એવી છે કે હવે પાક ખેતરોમાં વધુ સમય ઉભો રહી શકે તેમ નથી.
મોંઘા ખર્ચ છતાં ઉત્પાદન શૂન્ય થતા આર્થિક ફટકો
વર્ષભરની મહેનત અને અપેક્ષાઓ સાથે ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ હજારો રૂપિયાનો મસમોટો ખર્ચ કર્યો હતો, પરંતુ અચાનક ત્રાટકેલી ઈયળોના કારણે તમામ મહેનત પાણીમાં ગઈ છે અને ઉત્પાદન મળવાની કોઈ આશા ન રહેતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેનાથી અન્નદાતાઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે.


