મહેસાણાના વિજાપુરના ગરીતા ગામમાં એક અતિ ચોંકાવનારો અને અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાને તેના ચારિત્ર્ય પર શંકા રાખીને ગરમ તેલમાં હાથ નાખવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર સમાજમાં ચકચાર મચાવી દીધો છે. 16 સપ્ટેમ્બર 2025ના રોજ બનેલી આ ઘટનામાં ભોગ બનનાર નિરૂબેન રમેશભાઈ ઠાકોરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નિરૂબેનના નણંદ જમનાબેન મનુભાઈ ઠાકોરે તેમના પર ચારિત્ર્યનો ખોટો વહેમ રાખી ગાળો આપી હતી.


વીજાપુરાના ગરીતા ગામની ઘટનાએ ચકચાર મચાવી દીધો

જમનાબેને નિરૂબેન પર ખેતરમાં કોઈ અન્ય પુરુષ સાથે હોવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે નિરૂબેને આ વાતનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે જમનાબેને ઉશ્કેરાઈને તેમના પતિ મનુભાઈ અને અન્ય ભાઈ દયાલભાઈ અને હીરાભાઈને બોલાવ્યા હતા. તમામ આરોપીઓએ મળીને નિરૂબેનને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું અને કહ્યું કે જો તે સાચી હોય તો તેલથી દાઝશે નહીં. નિરૂબેને આ વાતનો પ્રતિકાર કરતા હાથ નાખવાની ના પાડી પરંતુ આરોપીઓએ તેમને માર માર્યો અને બળજબરીપૂર્વક તેમનો હાથ ઉકળતા તેલમાં નાખ્યો.

નણંદ, નણદોઇ સહિત પરિવારજનો સામે ફરિયાદ

જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયા. એટલું જ નહીં જમનાબેને તે જ ગરમ તેલ નિરૂબેનના જમણા પગ પર પણ રેડ્યું હતું. જેનાથી તેમને વધુ ઈજાઓ થઈ હતી. આ દુર્ઘટના બાદ નિરૂબેનના પતિ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. વિજાપુર પોલીસે નિરૂબેનની ફરિયાદના આધારે જમનાબેન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંધશ્રદ્ધા અને વહેમના નામે થતા અત્યાચારનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે.


  • Follow us on: