મહેસાણાના લીચ ગામની ખોડિયાર સોસાયટીમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. જેમાં 4 અજાણ્યા શખ્સોએ રિવોલ્વરની અણીએ એકલા રહેતા મહિલાના ઘરમાંથી 6.5 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. લૂંટારૂઓ એક અનોખી તરકીબ અપનાવીને આવ્યા હતા. તેમણે પોતાને એક એજન્ટ તરીકે રજૂ કર્યા. કારણ કે ઘરના માલિકના પુત્રને વિદેશ જવાનું હતું.


લીચ ગામમાં રિવોલ્વરની અણીએ 4 શખ્સોએ ચલાવી લૂંટ

લૂંટારૂઓએ આ વાતનો લાભ ઉઠાવીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે ઘરમાં એકલા રહેલા મહિલાને રિવોલ્વર બતાવીને બંધક બનાવી હતી અને લૂંટને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. મહેસાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે. પોલીસ દ્વારા લૂંટારૂઓને પકડવા માટે સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

પોલીસ દ્વારા જિલ્લાભરમાં કરવામાં આવી નાકાબંધી

જેથી આરોપીઓ વિશે કોઈ સુરાગ મળી શકે. આ લૂંટનો બનાવ દર્શાવે છે કે ગુનેગારો કેવી રીતે નવી નવી યુક્તિઓનો ઉપયોગ કરીને ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. પોલીસે ખાતરી આપી છે કે તેઓ ઝડપથી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઘટના બાદ પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.


  • Follow us on: