મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં દીપડો દેખાયો હોવાના સમાચાર સામે આવતા પંથકમાં ચર્ચાઓ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, ખેરાલુના મલેકપુર બસ સ્ટેન્ડ નજીક લાગેલા CCTV કેમેરામાં દીપડો કેદ થયો છે. ફૂટેજમાં દીપડો બસ સ્ટેન્ડ નજીક લટાર મારવા નીકળ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ખેરાલુ તાલુકાના મલેકપુર અને હિરવાણી પંથકમાં છેલ્લા બે દિવસથી દીપડો હોઈ શકે છે અને રાત્રી દરમિયાન ખેતરોમાં દીપડાએ ભૂંડનું મારણ કર્યું હોવાની વાતો પણ સામે આવી રહી છે.
ખેરાલુ RFO જે.એસ. ચૌધરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી
દીપડો મલેકપુર વિસ્તારમાં આવ્યો હોવાની જાણ થતાં જ વનવિભાગને માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતા ખેરાલુ RFO જે.એસ. ચૌધરીની વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ વનવિભાગની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા મલેકપુર અને હિરવાણી વિસ્તારની સીમમાં દીપડાની શોધખોળ અને તપાસ હાથ ધરવામાં આવી છે.
