મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે APMC (APMC) નજીક આવેલો રેલવે ઓવરબ્રિજ નિર્માણના માત્ર 7 જ વર્ષમાં અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે. બ્રિજના મુખ્ય રોડ પરથી લોખંડના સળિયા બહાર નીકળી આવતાં વાહનચાલકો અને સ્થાનિકો માટે મોટો ખતરો ઊભો થયો છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આ બ્રિજની આટલા ટૂંક સમયમાં આવી દશા થતાં તેના નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા યોગ્ય સમારકામ કરવાને બદલે માત્ર નામમાત્રના થીંગડાં મારીને સંતોષ માનવામાં આવી રહ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે.

APMC અને માં ઉમિયાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ચિંતા

આ રેલવે ઓવરબ્રિજ ઊંઝા APMCની બિલકુલ બાજુમાં આવેલો હોવાથી અહીંથી રોજેરોજ મોટા માલવાહક વાહનો અને ટ્રકોની સતત અવરજવર રહે છે. આ ઉપરાંત, જગતજનની માં ઉમિયાના દર્શનાર્થે ઊંઝા આવતા દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ પણ આ જ બ્રિજ પરથી પસાર થતાં હોય છે. રસ્તા પર ખુલ્લા દેખાતા સળિયાના કારણે વાહનોના ટાયર ફાટવા કે વાહનચાલકો સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બનવાની ભીતિ સેવાઈ રહી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ મોટો અકસ્માત સર્જાય તેની રાહ જોવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

"નેતાઓ ફોટા પડાવે તો જ બ્રિજનો ઉદ્ધાર થશે": સ્થાનિકોનો કટાક્ષ

બ્રિજની દયનીય સ્થિતિથી કંટાળેલા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કટાક્ષ કર્યો હતો કે નેતાઓ સારી અને નવી જગ્યાઓએ ફોટા પડાવવામાં વ્યસ્ત રહે છે, જો તેઓ આ જર્જરિત બ્રિજ પર આવીને ફોટા પડાવે તો કદાચ તંત્રના પેટનું પાણી હલે અને આ બ્રિજનો ઉદ્ધાર થાય! સ્થાનિકો અને વાહનચાલકોએ આ બ્રિજનું વહેલી તકે ગુણવત્તાયુક્ત અને યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તેવી મક્કમ માંગ કરી છે.

આ પણ વાંચો : Surat News : "પ્રેમમાં વચ્ચે આવીશ તો તને અને દીકરીને ઝેર આપી દઈશ", પત્ની અને 5 વર્ષની દીકરીને મારી નાખવાની ધમકી!