મહેસાણા સરકારી વહીવટી તંત્રમાં ડ્રેસ કોડને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સરકારી બેઠકમાં મહેસાણા મનપાના ડેપ્યુટી કમિશનર ટી-શર્ટ પહેરીને પહોંચતા રેસિડેન્ટ અધિક કલેક્ટરે તેમને જાહેરમાં ટોક્યા હતા અને પ્રોટોકોલ જાળવવા બાબતે બરાબરના ખખડાવ્યા હતા. આ ઘટનાને પગલે સરકારી અધિકારીઓમાં ભારે ગણગણાટ અને ચર્ચા જાગી છે.
ઇન્ટરવ્યૂ માટે એક ખાસ પસંદગી સમિતિની બેઠક
મળતી વિગતો અનુસાર, મહેસાણામાં પ્રોજેક્ટ મેનેજરના ઇન્ટરવ્યૂ માટે એક ખાસ પસંદગી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર અને ડીડીઓ સભ્ય તરીકે હાજર હતા. આ અત્યંત ઔપચારિક અને મહત્વની બેઠકમાં મનપાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડા કેઝ્યુઅલ ટી-શર્ટ પહેરીને આવી પહોંચ્યા હતા.
ટી શર્મ જોઇ રેસિડેન્ટ અધિક કલેક્ટર નારાજ થયા
સરકારી પ્રોટોકોલ અને ગરિમાને ન શોભે તેવા વસ્ત્રો જોઈને રેસિડેન્ટ અધિક કલેક્ટર નારાજ થયા હતા અને તેમણે મિટિંગ દરમિયાન જ અધિકારીને શિસ્તના પાઠ ભણાવ્યા હતા. અધિક કલેક્ટરે પણ સ્વીકાર્યું છે કે ટી-શર્ટ પહેરીને આવવા બદલ ડેપ્યુટી કમિશનરને ટોકવામાં આવ્યા હતા.
ડ્રેસ કોડ બાબતે કોઈ ચોક્કસ કે લેખિત પરિપત્ર નથી.
બીજી તરફ, આ વિવાદ અંગે ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ પોતાનો બચાવ કરતા નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "મને આ બાબતે વહીવટી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નોટિસ આપવામાં આવી નથી." વધુમાં તેમણે દલીલ કરી હતી કે સરકારી કચેરીઓ કે બેઠકોમાં ડ્રેસ કોડ બાબતે કોઈ ચોક્કસ કે લેખિત પરિપત્ર અસ્તિત્વમાં નથી. જોકે, સરકારી ગરિમા અને પ્રોટોકોલ મુજબ સત્તાવાર મિટિંગોમાં ફોર્મલ કપડાં પહેરવાનો વણલખ્યો નિયમ હોય છે, ત્યારે આ હાઈપ્રોફાઈલ બેઠકમાં બનેલી ઘટના હવે સચિવાલય સુધી ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં