મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ચાંદીપુરા વાયરસે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. તાલુકાના દેલવાડા ગામમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયા બાદ, રોગચાળાની ચપેટમાં આવેલી 4 વર્ષની બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે. બાળકીને ગંભીર હાલતમાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ માસૂમ બાળકીએ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ભયાનક લક્ષણો ધરાવતો ચાંદીપુરા વાયરસ
ચાંદીપુરા વાયરસ ખાસ કરીને નાના બાળકોને ઝડપથી પોતાની ચપેટમાં લે છે. આ વાયરસના સંક્રમણ બાદ બાળકમાં તીવ્ર તાવ, ઉલટી-ઉબકા, અને મગજ પર અસર થવા જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. વડનગર સિવિલમાં ખસેડાયેલી આ બાળકીની સ્થિતિ પણ ટૂંક જ સમયમાં વધુ નાજુક બની ગઈ હતી, જેના કારણે તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહોતી.
