વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની શ્રેણી વચ્ચે વધુ એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના ફતેગંજ બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક્ટિવા સવાર વિદ્યાર્થીની તૃપ્તિને એક બેફામ ધસી આવેલી ખાનગી બસે જોરદાર અડફેટે લીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

ફતેગંજ બ્રિજ બન્યો અકસ્માતનો 'હોટસ્પોટ'

અકસ્માતની આ ઘટના બાદ ફતેગંજ બ્રિજ પર વાહનચાલકોની સુરક્ષા સામે ફરી મોટા સવાલો ઊભા થયા છે. આ બ્રિજ હવે અકસ્માતો માટે હોટસ્પોટ બની ચૂક્યો હોય તેમ માત્ર એક જ મહિનાના સમયગાળામાં છથી પણ વધુ નાના-મોટા અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે. વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બ્રિજ પર ટ્રાફિક નિયંત્રણ તેમજ સ્પીડ લિમિટ અંગે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.

CCTV ને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ

હિટ એન્ડ રનની ઘટના બાદ ખાનગી બસનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બનાવ સ્થળ અને બ્રિજ આસપાસના CCTV કેમેરાના ફૂટેજ કબ્જે કરીને બસ ચાલકની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી છે. માર્ગ પરના તમામ સીસીટીવી ચકાસીને પોલીસે ફરાર ડ્રાઇવરને ઝડપી પાડવા માટે આગળની તપાસ તેજ બનાવી છે.

આ પણ વાંચો : Banaskantha માં ગમખ્વાર અકસ્માત, બસ અને રીક્ષા વચ્ચેની ટક્કરમાં 3 ના મોત...