અમેરિકાના ટેનેસી સ્થિત જેક્સન સિટીમાં મહેસાણાના 56 વર્ષીય વેપારી સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.આ બનાવ 20 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં બન્યો હતો.એક લૂંટારો દારૂના સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં હાજર સ્ટાફ પાસે રોકડ રકમની માંગણી કરી હતી.હથિયારના જોરે નાણાં લૂંટી લીધા બાદ હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.જેમાં એક ગોળી સુરેશ પટેલને વાગતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. આખરે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે.  

સુરેશ પટેલની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો

જેક્સન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ પ્રમાણે, અમેરિકાના ટેનેસીમાં મૂળ મહેસાણાના આખજ ગામના વતની અને વેપારી સુરેશ પટેલની ગત 20 તારીખે થયેલી સનસનાટીભરી હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે.સ્થાનિક પોલીસ અને FBI સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે હાથ ધરેલી તપાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપીએ સુરેશ પટેલની હત્યા બાદ જેક્સન સિટીમાં અન્ય એક લૂંટ ચલાવી પંજાબી વેપારીની પણ ગોળી મારીને હત્યા કરી હતી.પોલીસે આશરે 70 માઈલ સુધી ફિલ્મી ઢબે પીછો કરીને આ ખતરનાક આરોપીને દબોચી લીધો હતો.

20 તારીખે સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરી હતી

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ 20 તારીખે સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.માત્ર 35 કલાકના ટૂંકા ગાળામાં જ આરોપીએ લૂંટ અને હત્યાની બે અલગ-અલગ ઘટનાઓને અંજામ આપ્યો હતો.બંને નિર્દોષ વેપારીઓની હત્યા કરનાર આરોપીની ધરપકડ થતાં અમેરિકામાં વસતા એનઆરઆઈ સમુદાયે રાહતનો શ્વાસ લીધો છે. જેક્સન સિટીમાં પોલીસ અને વહિવટી તંત્ર સજાગ હોવાથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.  

આ પણ વાંચોઃ Gandhinagar News: એક કામગીરી પૂરી નથી થઈ ત્યાં શિક્ષકોને નવી જવાબદારી, હવે વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરાશે