સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતોએ ખાનગી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. હિંમતનગર ખાતે સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોની એક ખાસ અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણેય જિલ્લાના ખેડૂતોએ એકજૂથ થઈને બટાકાનું વિતરણ અને કોન્ટ્રાક્ટ કરતી ખાનગી કંપનીઓ સામે આરપારની લડત લડવાના એંધાણ આપ્યા છે. ખેડૂતોએ એકસૂરે કંપનીઓ દ્વારા થતી લૂંટ અને અન્યાયી નીતિઓ બંધ કરવા માગ કરી છે.

100 કિલોએ 1.6 કિલોની ગેરકાયદે કપાત બંધ કરવા સહિત 4 કડક માગણીઓ

હિંમતનગરની બેઠકમાં ખેડૂતોએ ખાનગી કંપનીઓ સામે 4 મુખ્ય અને કડક માંગણીઓ મૂકીને અલ્ટીમેટમ પાઠવ્યું છે. ખેડૂતોની મુખ્ય માગણી છે કે વજનમાં 100 કિલોએ 1 કિલો 600 ગ્રામની કરાતી ગેરકાયદેસર કપાત તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે. આ ઉપરાંત પાકની ખરીદી વખતે ગાડીમાં માલ ભરવાની મજૂરી પંચ કે કંપની પોતે ચૂકવે, કુદરતી હોનારત કે વાતાવરણના બહાના કાઢીને ભાવમાં કાપ મૂકવાની અન્યાયી નીતિ બંધ થાય અને ડીઝલ, ખાતર તથા દવાના વધતા ભાવ સામે ખેડૂતોને પાકનો વ્યાજબી ભાવ આપવામાં આવે.

માંગણીઓ નહીં સંતોષાય તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉગ્ર આંદોલનની ચેતવણી

હાલના સમયમાં ડીઝલ, ખાતર અને જંતુનાશક દવાઓના ભાવમાં મોટો વધારો થતાં ખેડૂતોનો ખેતી ખર્ચ બમણો થઈ ગયો છે. છતાં ખાનગી કંપનીઓ વેપારના નામે ખેડૂતોનું શોષણ કરી રહી હોવાનો આક્ષેપ ખેડૂત પરિવારોએ લગાવ્યો છે. હિંમતનગર ખાતે મળેલી બેઠકના અંતે ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કંપનીઓ દ્વારા તેમની વાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આવનારા સમયમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના ખેડૂતો ભેગા મળીને કંપનીઓ સામે ઉગ્ર અને વ્યાપક આંદોલન છેડશે.

આ પણ વાંચો : Suratમાં જન્માષ્ટમીએ જુગારધામો પર દરોડા! વરાછામાંથી પોલીસે 4 સ્થળોએ દરોડા પાડી 30 જુગારીઓને દબોચ્યા