સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી મુશળધાર વરસાદે માઝા મૂકી છે.મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ હવામાન વિભાગ દ્વારા સુરત શહેર અને જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અઠવાલાઇન્સ,ઉધના-નવસારી રોડ અને ભટાર રોડ સહિતના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.સુરત સાયબર પોલીસ સ્ટેશનની બહાર પણ પાણી ભરાઈ જતાં તથા વાહનચાલકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનતાં મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

શહેરમાં છેલ્લા 12 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
નાયબ મામલતદાર ડિઝાસ્ટર સાજીદ મેરૂઝયે જણાવ્યું હતું કે,સુરત શહેરમાં છેલ્લા 12 કલાક દરમિયાન 4 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.જેનાથી સીઝનનો કુલ વરસાદ 39 ઇંચ સુધી પહોંચી ગયો છે.સમગ્ર જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં સરેરાશ 2.34 ઇંચ વરસાદ નોંધાયો છે.જેમાં પલસાણા તાલુકામાં સૌથી વધુ 5.23 ઇંચ વરસાદ ખાબક્યો છે.જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ 33 ઇંચ થયો છે.ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. બામરોલી વિસ્તારમાં આવેલા ભેદવાડ ખાડીના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે.

નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું
લક્ષ્મી એપાર્ટમેન્ટની ચોતરફ પાણી ભરાઈ જતાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી.જ્યાંથી બાળકોને ટ્રેક્ટરની મદદથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.દર વર્ષે ચોમાસામાં સર્જાતી આવી જ વિકટ સમસ્યાને કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. મુશળધાર વરસાદના લીધે બમરોલી ખાડી ઓવરફ્લો થતાં ખાડીના પાણી સીધા રસ્તાઓ પર ફરી વળ્યા છે.જેના કારણે બમરોલી-અલથાણ રોડ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે.આ સિવાય ખાડી કિનારે આવેલી ક્રિકેટ સ્પોર્ટ્સ એકેડેમીમાં પણ પાણી ભરાઈ જતાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પાણીના સતત વધતા સ્તરને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના