ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હાલમાં ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં હજી પણ 31 ટકા વરસાદની ઘટ છે. 

ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સુરત, તાપી, ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોની વાત કરીએ તો,ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આવતીકાલે પણ નવસારી, વલસાડ અને દમણમાં વરસાદી જોર યથાવત રહેશે.જ્યારે દાદરા અને નાગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

રાજ્યમાં સરેરાશ કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાયો

હાલમાં રાજ્ય પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન બંને સક્રિય હોવાથી વરસાદી સિસ્ટમ મજબૂત થઈ છે.આ ખરાબ હવામાન અને તોફાની દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના બંદરો પર LCS-3 એટલે કે લોકલ કોશનરી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો નહીં ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. બીજી તરફ,છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ચાલુ ચોમાસાની મોસમમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Palanpur: ચાંદીપુરા વાયરસથી 2 વર્ષની માસુમ બાળકીનું કરુણ મોત, બનાસ મેડિકલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ