હવામાન વિભાગે આજથી વરસાદનું જોર વધશે તેવી આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. અમરેલી, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને વરસાદને કારણે ઠંડકનો અનુભવ થયો છે.રાજ્યમાં ચાલુ સિઝનનો કૂલ 65.13 ટકા વરસાદ નોંધાયો છે.


207 જળાશયોમાં 72.02 ટકા પાણીનો જથ્થો

ગુજરાતમાં 207 જળાશયોમાં 72.02 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 64.21, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 79.94 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70.76 ટકા, કચ્છના 20 ડેમમાં 54.25 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.42 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલકાયો નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આઠ ડેમ છલકાયા છે. નર્મદા ડેમમાં હાલમાં 74.94 ટકા પાણીનો જથ્થો છે. હાલમાં 51 ડેમ હાઈ એલર્ટ, 26 એલર્ટ અને 24 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટરમાં વાવેતર

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશમાં,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે કુલ 74.85 લાખ હેક્ટર એટલે કે 87.48 ટકામાં કૃષિ પાકોનું વાવેતર થયું છે. જેમાં તેલીબીયા પાકનું વાવેતર 26.94 લાખ હેક્ટર વિસ્તારમાં, મગફળીનું 20.54 લાખ હેક્ટરમાં, કપાસનું 20.58 લાખ હેક્ટરમાં, ધાન્ય પાકનું 12.88 લાખ હેક્ટરમાં, ડાંગરનું 8.44 લાખ હેક્ટરમાં, મકાઇનું 2.72 લાખ હેક્ટરમાં, કઠોળ પાકનું 3.48 લાખ હેક્ટરમાં તેમજ ઘાસચારાનું વાવેતર 8.2લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે.


  • Follow us on: