ગુજરાતમા ચાલુ સિઝનમાં 40 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 117 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાની વિદાયની વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ સિઝનમાં વરસેલા વરસાદને કારણે રાજ્યના જળાશયો છલોછલ ભરાઈ ગયાં છે. 207 જળાશયોમાં હાલમાં 98 ટકા પાણીનો જથ્થો છે. આગામી સમયમાં પાણી અને સિંચાઈની હવે કોઈ મુશ્કેલી સર્જાય તેવું લાગતું નથી.


207 જળાશયોમાં હાલમાં 98 ટકા પાણીનો જથ્થો

રાજ્યના 207 જળાશયોમાં હાલમાં 98 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 90.80, મધ્ય-પૂર્વના 17 ડેમમાં 99.22, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 100, કચ્છના 20 ડેમમાં 84.06, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 90.12 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 100 ટકા પાણીનો જથ્થો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 8, મધ્ય-પૂર્વના 14, દક્ષિણ ગુજરાતના 12, કચ્છના 10 અને સૌરાષ્ટ્રના 85 ડેમ છલોછલ ભરાઈ ગયાં છે.

154 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણી

રાજ્યમાં 207 જળાશયોમાં હાલમાં 154 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણી હોવાથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. 14 જળાશયોમાં 80 ટકાથી વધુ પાણી હોવાથી એલર્ટ પર રખાયા છે. જ્યારે 10 જળાશયોમા 70 ટકાથી વધુ પાણી હોવાથી વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 28 જળાશયો એવા છે જેમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. આ વખતે કચ્છમાં સૌથી વધુ 147 ટકા વરસાદ વરસ્યો છે. છતાં પણ જિલ્લામાં સૌથી ઓછા જળાશયો છલકાયા છે.


  • Follow us on: