ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ક્યાંક રસ્તા બંધ થઈ ગયા છે તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે ફરીવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યમાં પવનનની ગતિ 40થી 60 કિ.મી પ્રતિકલાક રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ
હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ચ ગુજરાતમાં પણ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જામનગર, જૂનાગઢ, દ્વારકા,સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું
હવામાન વિભાગ દ્વારા દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. વડોદરા શહેરમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં નોકરી ધંધે જનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.