આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે. ત્યારે હવામાન વિભાગે ફરીવાર વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ છે.
27 અને 28 તારીખે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 તારીખે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે 28 તારીખે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ છે.













