ગુજરાતમા વરસાદ ખેંચાયા બાદ ફરી વાર મેઘરાજાની એન્ટ્રી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ભરૂચ, સુરત, તાપી અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ છે. માછીમારોને 12થી 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં 14 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ પડશે.
અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.84 ટકા વરસાદ વરસ્યો
15 થી 21 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે, રાજયમાં 10 થી 14 ઓગસ્ટ દરમિયાન ગરમી સાથે ઉકળાટ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે અને રાજયમાં મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. રાજ્યમાં પવનની દિશા દક્ષિણથી પશ્ચિમની રહેતા હળવા વરસાદની સંભાવના રહેલી છે, મોન્સૂન ટ્રફ લાઈન પૂર્વ દક્ષિણ પૂર્વથી ઉત્તર તરફ જઈ રહી છે.રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.84 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.