ગુજરાતમાં હાલ ભારે વરસાદની સંભાવનાઓ નહીવત છે. છેલ્લા દસેક દિવસથી રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. હવામાન વિભાગ દ્વારા માત્ર હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવે છે. અચાનક વરસાદી સિસ્ટમ ખોરવાઈ જતાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી નથી. 15 ઓગસ્ટ બાદ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વરસાદનું જોર ઘટતાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.


વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે

ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદમાં વરસાદ બંધ થતાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તારીખ 6 થી 12 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શકયતા નહિવત છે. મોનસુન ટ્રફ પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ પસાર થઈ રહ્યું છે. વરસાદનું જોર ઘટતાં ભર ચોમાસે લોકોને ગરમી સહન કરવી પડશે.

સિઝનનો કુલ 63.84 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.84 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.88, ઉત્તર ગુજરાતમાં 66.20, મધ્ય ગુજરાતમાં 66.23 અને સૌરાષ્ટ્રમાં 55.79 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


  • Follow us on: