અમદાવાદ શહેરમાં આજે ભારે વરસાદ થવાને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતાં. પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર અને જનજીવનને અસર પહોંચી હતી. વરસાદને કારણે શહેરમાં લાઈફ લાઈન તરીકે ઓળખાતી AMTS અને BRTSની બસોને અસર થઈ હતી. પાણી ભરાઈ જવાને કારણે AMTSની 44 બસો બ્રેકડાઉન થતાં રૂટ બંધ કરવામાં આવ્યો હતો.


AMTSની 44 બસ બ્રેકડાઉન થતા રૂટ બંધ

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે શહેરમાં AMTSની બસોને પણ વરસાદને કારણે અસર પહોંચી હતી. પાણીમાં દોડતી 44 જેટલી બસો બ્રેક ડાઉન થતાં રૂટ બંધ કરવાનો વારો આવ્યો છે. જેમાં પાંચ જેટલી બસો પાણીમાં બંધ થઈ ગઈ હતી. તેમજ બે બસોને ક્રેઈન કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદને કારણે શહેરમાં AMTSની 23 બસોના રૂટ ટૂંકાવી દેવાની ફરજ પડી હતી. બીજી તરફ કોરિડોરમાં દોડતી BRTSની કુલ 38 બસો બ્રેકડાઉન થઇ હતી. 15 જેટલી બસોને મેઇન્ટેનન્સ ટીમ મોકલી ચાલુ કરાઇ હતી.

પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

આજે વરસાદને કારણે પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નારોલ, બાપુનગર, દાણી લીમડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની નીચેનો રોડ પણ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની સ્થિતિમાં અનેક વાહન ચાલકો તેમના વાહનો બંધ થતાં ફસાયા હતાં.


  • Follow us on: