અમદાવાદ શહેરના જુના આરોપીઓની ગતિવિધિ પર નજર રાખી પોલીસે અમદાવાદમાં થયેલા બે ચેઈન સ્નેચિંગ અને એક લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મહત્વનું છે કે નશાની ટેવ પૂરી કરવા આરોપીઓએ એક જ અઠવાડિયામાં ત્રણ ગુનાને અંજામ આપ્યો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


એલિસબ્રિજમાં થયેલી લૂંટનો પણ ભેદ ઉકેલાયો

અમદાવાદની વસ્ત્રાપુર પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ શહેઝાદ ઉર્ફે સજ્જુ પઠાણ ઉર્ફે બાબુ ચૌધરી છે. જે નારોલના ગણેશ નગર વિસ્તારનો રહેવાસી છે. આરોપીની પૂછપરછ કરી તપાસ કરતા અમદાવાદના વસ્ત્રાપુરમાં થયેલી બે ચેઈન સ્નેચિંગ અને એલિસબ્રિજમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલ અને થલતેજ સ્મશાન પાસેથી વહેલી સવારે બે ચેઈન સ્નેચિંગ કર્યા હતા. આ ઉપરાંત એલિસબ્રિજ વિસ્તારમાં છરી બતાવી લેપટોપની લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપી પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

નશાની ટેવ માટે રુપિયાની જરૂર હોય લુંટ કરતો

અમદાવાદમાં સતત વધી રહેલા મિલકત સંબંધી ગુનાઓ રોકવા માટે પોલીસે જુના આરોપીઓને ગતિવિધિ પર નજર રાખવાની શરૂઆત કરી હતી. જે ગતિવિધિના આધારે પોલીસે અગાઉ ચોરી અને લૂંટ તથા ચેન સ્નેચિંગના 11 ગુના કરનાર આરોપી શહેઝાદ પઠાણની તપાસ કરતા ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાથે જ લૂંટ અને અન્ય ગુનાનો મુદ્દામાલ ખરીદનાર ગુલ્લુ ચૌધરી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે શહેજાદ ડ્રગ્સનો બંધાણી હોવાથી નશાની ટેવ માટે રુપિયાની જરુર ઉભી થતા ગુનાને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ વધતા પોલીસે અગાઉના હિસ્ટ્રીશીટર અને ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર આરોપીઓ પર નજર રાખવાની શરૂઆત કરી છે. જેમાં શહેરમાં થયેલા કેટલાક ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ગંભીર ગુનાઓ ન બને તે માટે જુના આરોપીઓ પર પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે.

  • Follow us on: