અમદાવાદમાં ભારે વરસાદ થવાથી પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાં લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં પાણી ભરાઈ જવાને કારણે મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. સત્તાધિશોએ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી અમદાવાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. શહેરમાં થયેલી જળબંબાકારની સ્થિતિમાં ઝડપથી પાણી ઉતરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.


વરસાદના પાણીનો ઝડપથી નિકાલ થઈ રહ્યો છે

અમદાવાદ મહાનગર પાલિકાના વોટર કમિટી ચેરમેન દિલિપ બગડીયાએ કહ્યું હતું કે, શહેરના કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે પહેલા બે બે દિવસ સુધી પાણી ભરાતા હતા હવે ગણતરીના કલાકોમાં પાણીનો નિકાલ થાય છે. શહેરમાં અત્યારે 29 કામો ચાલુ છે.6 કામો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે. કામ પૂર્ણ થયા બાદ પાણીનો ઝડપથી નિકાલ થશે. 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડે તો વિશ્વમાં પાણી ભરાય છે. વરસાદી પાણી નહીં ભરાય તેવું કહેવું યોગ્ય નથી.

વરસાદી પાણી નહીં ભરાય તેવું કહેવું યોગ્ય નથી

અમદાવાદ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. આજે બપોરે બાર વાગ્યા સુધીમાં દસક્રોઈમાં સૌથી વધુ આઠ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે મહાનગર પાલિકાના સત્તાધીશો કહે છે કે, એક ઈંચ વરસાદમાં આખા વિશ્વમાં પાણી ભરાય છે. વરસાદી પાણી નહીં ભરાય તેવું કહેવું યોગ્ય નથી.


  • Follow us on: