ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. 19 અને 20 ઓગસ્ટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.


હાલ રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે જૂનાગઢ, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે આ વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ

આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૨ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં ૭૧ ટકા, કચ્છમાં ૭૦ ટકા, પૂર્વ મધ્યમાં ૬૯ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૬૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટના ધોરાજીમાં ૩ ઇંચથી વધુ, માળિયાહાટીમાં ૨ ઇંચથી વધુ જ્યારે ડાંગ આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં ૨ ઇંચથી વધુ આ ઉપરાંત ૨૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC,ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.


  • Follow us on: