ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્ય તરફ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
24 કલાકમાં 145 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદેપુરમાં 3.23, બોડેલીમાં 2.99, જાંબુઘોડામાં 2.56, પાવી જેતપુરમાં 2.24, સોનગઢમાં 2.24, ગરબડામાં 2.2, ડોલવણમાં 2.05, સુરત સિટીમાં 1.97, કામરેજમાં 1.85, પલસાણામાં 1.81, વ્યારામાં 1.73 અને બારડોલીમાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના 207 ડેમમાં 62.87 ટકા પાણીનો જથ્થો
ભારે વરસાદને કારણે ગુજરાતના 207 ડેમમાં 62.87 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 60.31, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 69.21, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 61.51, કચ્છના 20 ડેમમાં 55.69 અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 65.95 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર યોજનામાં 62.46 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં હાલમાં 49 ડેમ હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ અને 19 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.