ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું સુઢા વણસોલ ગામ ચોમાસામાં ડર વર્ષે સંપર્ક વિહોણું બની જાય છે. ભારે વરસાદને કારણે ગામ તરફ જતાં માર્ગો પર કેડ સમા પાણી ભરાઈ જાય છે. જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા કોઈ નવી નથી. છેલ્લા બે દાયકાથી ગામના લોકો જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ગામમા અવરજવર કરવા માટે એકમાત્ર સાધન ટ્રેક્ટર
તમને જણાવી દઈએ કે, ગામમાં અવરજવર કરવા માટે હાલ એકમાત્ર સાધન ટ્રેક્ટર જ બચ્યું છે. ગામલોકો પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે જેમ કે કરિયાણું કે શાકભાજી લાવવા માટે ટ્રેકટરનો જ સહારો લેવા મજબૂર છે. બાળકોને શાળાએ જવામાં, દર્દીઓને દવાખાને પહોંચાડવામાં કે ખેડૂતોને ખેતરે જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. પાણીના કારણે રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને કાચા રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને કાચા રસ્તાઓ તો સંપૂર્ણપણે ધોવાઇ ગયા છે. ગામલોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી.
ગ્રામજનોમાં ભારે આક્રોશ
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા 20 વર્ષ જૂની છે. જ્યારથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બન્યો છે, ત્યારથી આ પાણીના નિકાલનો પ્રશ્ન વકર્યો છે. એક્સપ્રેસ હાઈવેના નિર્માણથી ગામની આસપાસના પાણીના કુદરતી વહેણ બ્લોક થઇ ગયા છે. પરિણામે, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં તે ગામના માર્ગો અને ખેતરોમાં ભરાઈ જાય છે. ખેડૂતોના ઉભા પાક પણ પાણીમાં ગરકાવ થઇ જાય છે જેનથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે, જો એક્સપ્રેસ હાઈવે નીચે એક ગરનાળું (અંડરપાસ) બનાવવામાં આવે, તો પાણીના નિકાલનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ શકે છે.