ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે. નદી અને તળાવોમાં પાણીની આવક થવાથી રોડ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. ખેડાના મહેમદાવાદ તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.


500થી 600 વીઘા જમીન પર વરસાદી પાણી ફરી વળ્યા

ખેડામાં મહેમદાવાદના ખંભાલી જતા રોડ પર પાણી ફરી વળ્યાં છે. સ્ટેટ હાઈવેથી ખંભાલી જતા રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. મલકાણા વહેરામાંથી પાણી છોડાતા રોડ રસ્તા ઉપર અને લોકોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે વરસોલા, ખંભાલી, અંધેજ, મોહનપરુ ગામને જોડતો રોડ બંધ કરવાની નોબત આવી હતી. 500થી 600 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

રોડ રસ્તા ઉપર અને લોકોના ખેતરોમાં ફરી વળ્યા પાણી

ખંભાલી જતા બે કિલોમીટરના રોડ આસપાસના ચારથી પાંચ ગામોને જોડતો રોડ છે. જ્યાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક ગામોમાં જવાનો રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો આગામી સમયમાં વધુ વરસાદ પડે કે વધુ પાણી છોડાય તો આ રોડ બ્લોક થવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવ થતાં જળસ્તરને જાળવી રાખવા પાણી છોડવું પડ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

  • Follow us on: