ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ખાસકરીને વીકેવી રોડ અને કબીર નગર વિસ્તારોમાં પરસ્થિતિ ગંભીર બનતાં વહીવટીતંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.


લોકોના ઘરોમાં પાણી ઘુસતા કરાયું સ્થળાંતર

મળતી જાણકારી અનુસાર, ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘરવખરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે લોકો પોતાના જીવ બચાવવા સુરક્ષિત સ્થળો તરફ જવા મજબૂર બન્યા હતા. વીકેવી રોડની વાત કરવામાં આવે તો, અંદાજે 20 જેટલા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ તમામ અસરગ્રસ્ત પરિવારોને શહેરના જાણીતા સંતરામ મંદિરમાં આસરો આપવામાં આવ્યો છે. સંતરામ મંદિર દ્વારા પણ માનવતાના ધોરણે આશ્રય અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

મહત્વનું છે કે, વરસાદી પાણી ઓસર્યા બાદ જ નુકસાનનો આંકડો જાણી શકાશે. પરંતુ હાલ તો વહીવટીતંત્રની પ્રાથમિકતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને તેમને તમામ જરૂરી મદદ પૂરી પડવાની છે. આ સિવાય શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: