ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 48 કલાક દરમિયાન મૂશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટા-છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 100 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
બપોરે 12 વાગ્યા સુધીમાં 100 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 100 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 2.14, મહિસાગરમાં 2.13,ઉમરપાડામાં 1.93, સોનગઢમાં 1.54, વડાલીમાં 1.56, દાંતામાં 1.65, કપડવંજમાં 1.85, માંડવીમાં 1.46, પલસાણામાં 1.34 અને લુણાવાડામાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે.
મોસમનો કુલ સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ નોંધાયો
રાજ્યના માછીમારોને આગામી 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ નોંધાયો છે.છેલ્લાં 24 કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઈંચ, તાપીના વ્યારામાં 3.54 ઈંચ તથા વડોદરા જિલ્લાના ડભોઈમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે.