ગુજરાતમાં બીજી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલથી શરૂ થયેલા વરસાદે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું છે. જેમાં બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે 20 ગામ સંપર્ક વિહોણા થયાં છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ગામડાઓનો સંપર્ક તૂટ્યો છે.
રવિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા
બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે રવિયા નજીક કોઝવે પર પાણી ફરી વળતાં 20 ગામનો સંપર્ક તૂટ્યો છે. વાસડા,ડેટા,ઋણી સહિતના ગામમાં જતો રસ્તો બંધ થઈ ગયો છે. આ ઉપરાંત નેગાળા,ગોળીયા સહિત ગામ સંપર્ક વિહોણા બન્યાં છે. રવિયા થી અનાપુરના રસ્તા પર પાણી ભરાઈ ગયાં છે. ધાનેરા પંથકમાં વરસાદથી અનેક માર્ગો બંધ થયાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ સહિત અનેક માર્ગો બંધ થયાં છે. આ ગામોમાંથી રાજસ્થાન તરફ જવાનો પણ સંપર્ક તૂટ્યો છે.
ગામડાના પશુપાલકોની સ્થિતિ કફોડી બની
ભારે વરસાદના કારણે ગામડાના પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે. પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવુ પણ મુશ્કેલ થયું છે. જ્યારે વાહનચાલકોની હાલત પણ ગંભીર થઈ છે. ધાનેરાના શેરા પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જવાને કારણે મુસીબતનો સામનો કરવો પડ્યો છે. ડીસામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ડીસાથી ધાનેરા અને જેરડા સહિતના પંથકમાં જવા માટે રોડ પર પાણી ફરી વળતા એક તરફનો રોડ બંધ કરાયો છે. ડાયવર્ઝન આપવાની ફરજ પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.