બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે. સતત વરસતા ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે, ખેડૂતોના મગફળી અને બાજરીના તૈયાર પાકો નષ્ટ થઈ ગયા છે અને બાજરી મગફળી ફરીથી ઉગવા લાગી છે, ત્યારે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે અને ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.
વડગામ તાલુકામાં 9 ઈંચ વરસાદ
ત્યારે આજે બનાસકાંઠા કિસાન સંઘના જિલ્લાના હોદ્દેદારો અને તાલુકાના આગેવાનોએ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી હતી. જો ખેડૂતોને સહાય ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં કિસાન સંઘ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાના વડગામ, પાલનપુર, દાંતીવાડા, ડીસા, ધાનેરા, અમીરગઢ સહિતના તાલુકાઓમાં સતત વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. વડગામ તાલુકામાં 9 ઈંચ વરસાદ પાલનપુર તાલુકામાં 7 ઈંચ સહિત ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, ડીસા, કાંકરેજ, દિયોદર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસતા ખેડૂતોના મગફળી અને બાજરીના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જેના કારણે હવે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના 200થી વધુ આગેવાનોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોએ ચાર મહિનાની મહેનત બાદ મગફળી, બાજરીનો પાક તૈયાર કર્યો હતો અને હવે પાક લેવાની તૈયારીના સમયે સતત વરસાદ વરસતા આ પાકો નિષ્ફળ ગયા છે. તૈયાર પાકના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે હવે મગફળી અને બાજરીનો પાક પણ ફરીથી ઉગવા લાગ્યો છે. ત્યારે આ મગફળી હવે કોઈ કામ આવે તેમ નથી અને જેના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે, ખેડૂતોના બિયારણ સહિત પોતાની કરેલી મજૂરી પણ મળી શકે તેમ નથી અને મોટું નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો માટે હવે કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે અને કિસાન સંઘના આજે બનાસકાંઠા જિલ્લાના 200થી વધુ આગેવાનો રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર આપી અને સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતોને સહાય આપે તેવી માગ કરી હતી અને જો ખેડૂતોને સહાય આપવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જિલ્લામાં મગફળી અને બાજરીનું સૌથી વધુ ઉનાળું વાવેતર થાય છે
બનાસકાંઠામાં વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે તેને લઈને હવે કિસાન સંઘ ખેડૂતોના વ્હારે આવ્યું છે અને કિસાન સંઘના બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારોએ આજે બનાસકાંઠા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કિસાન સંઘના આગેવાનોએ કહ્યું હતું કે બનાસકાંઠામાં ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે, ખેડૂતો પાયમાલ બની ગયા છે આ વખતે 20 દિવસ વહેલા વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારે ખેડૂતોના બાજરી અને મગફળીના પાકો નષ્ટ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં મગફળી અને બાજરીનું સૌથી વધુ ઉનાળું વાવેતર થાય છે. ત્યારે ખેડૂતોને આ વાવેતર ઉપર આશા હતી, જોકે વરસાદથી તમામ પાકો નષ્ટ થયા છે, ત્યારે સરકાર વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે તેવી અમારી માગ છે અને જો સરકાર સહાય નહીં આપે તો આગામી સમયમાં કિસાન સંઘ ખેડૂતો માટે આંદોલન કરશે.













