ભરૂચના આમોદમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. બે દિવસના વિરામ બાદ આમોદમાં વરસાદે ધમાકેદાર રી-એન્ટ્રી કરી છે. ભારે ઉકળાટ અને ગરમી બાદ આજે વરસાદે ધબધબાટી બોલાવી છે. વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં પલટો ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સવારથી બપોર સુધી વાદળછાયુ વાતાવરણ રહેતા આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આમોદમાં અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા
વરસાદ વરસ્યા બાદ આમોદ બજાર જળમગ્ન બન્યું હતું. ઠેરઠેર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને કેટલીક દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યું છે. વરસાદી પાણીમાં નાના નાના ભૂલકાઓ વરસાદની મજા લેતા જોવા મળી રહ્યા છે. ગાડીઓના ટાયર ડૂબી જાય તેટલું પાણી આમોદના મુખ્ય બજારમાં વહેતું થયું છે. આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તાર પણ જળમગ્ન બન્યો છે. ઠેર ઠેર ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આમોદ તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના કપાસ અને તુવેર જેવા વાવણીના સમયે જ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આમોદ નગર સહિત આજે દિવસ દરમિયાન પણ થોડીવારના અંતરે વરસાદી ઝાપટા પડતાં ઠેર ઠેર પાણી જોવા મળ્યું છે.
ભરૂચના જંબસુરમાં તંત્રની ગંભીર બેદરકારી
બીજી તરફ ભરૂચના જંબસુરમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ચાલુ વરસાદે રોડ બનાવવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ચાલુ વરસાદે રોડ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ચાલુ વરસાદે રોડ બનાવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.