ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોરતળાવ (ગૌરીશંકર સરોવર) આખરે ઓવરફ્લો થયું છે, જેના કારણે સમગ્ર શહેરમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ તળાવના સાત દરવાજા પરથી પાણી વહેતું થયું હતું. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે આખરે ભાવેણાવાસીઓની લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે.
બોરતળાવ આખરે ઓવરફ્લો થયું
છેલ્લા ઘણા સમયથી ભાવનગરના લોકો બોરતળાવ ઓવરફ્લો થાય તેની રાહ જોઈ રહ્યા હતા. આ તળાવ માત્ર પાણીનો સ્ત્રોત જ નથી, પરંતુ શહેરની ઓળખ અને આસ્થાનું કેન્દ્ર પણ છે. બોરતળાવનું ઓવરફ્લો થવું એ ભાવનગરના લોકો માટે એક મોટો ઉત્સવ સમાન છે. આ સરોવર 43 ફૂટની સપાટીએ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને હાલ તેના દરવાજા ઉપરથી પાણી વહેતું જોઈ શકાય છે. બોરતળાવ શહેરની પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે ઓવરફ્લો થતાં આગામી એક વર્ષ સુધી પાણીની કોઈ તકલીફ રહેશે નહીં, જેનાથી નાગરિકોને મોટી રાહત મળી છે. બોરતળાવ ઓવરફ્લો થવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો સરોવરને જોવા માટે ઉમટી પડ્યા હતા. લોકોએ આ પળને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.













