ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં આજે 5 વાગ્યાની આસપાસ કાળા દિબાંગ વાદળો ઘસી આવ્યા હતા અને ધોધમાર વરસાદ તૂટી પડતાં રોડ ઉપર ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. ગારીયાધાર શહેરમાં નીચાણવાળા મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂત વાડી, વાવ દરવાજા, રુપાવટી રોડ સહિતના વિસ્તારોમાં રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ખેડૂતોને થઈ રહી છે પાકની ચિંતા
તમને જણાવી દઈએ કે ગારીયાધારમાં એક દિવસના વિરામ બાદ ફરી આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને પોણા કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગારીયાધાર પંથકમાં જો વાત કરવામાં આવે તો પચ્છેગામ, ગણેશ ગઢ, રુપાવટી, પરવડી, રતનવાવ, નવાગામ, નાની વાવડી સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડતાં ચારેબાજુ પાણી ભરાયા હતા. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે ગારીયાધારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હાલ વધુ પડતાં વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે, વરસાદ હવે જો વિરામ આપે તો ખેતરોમાં નિંદામણ થાય, કારણ કે વારંવાર વરસાદ પડવાના કારણે ખેતરોમાં ખાસ જામી ગયા છે, ત્યારે હવે સૌ કોઈ વરસાદ વિરામ આપે તેવી ઈચ્છા રાખી રહ્યા છે.
રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
બીજી તરફ રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ભારે ગરમી અને ઉકળાટ બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે. રાજકોટના આટકોટ, ચિતલીયા, જંગવડ, વીરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.