ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. 24 જૂન સુધી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયાં છે. વરસાદની શરૂઆતમાં જ લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. શહેરમાં મહાનગર પાલિકાએ બનાવેલા સેક્ટર 3 એ ના ગાર્ડનમાં પાણી ભરાઈ જવાથી સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા હતાં. ગાર્ડનમાં સવારમાં કેટલાક લોકો પાણીની મજા લેતા દેખાયા હતાં.
સેક્ટર 3 એના ગાર્ડનમાં વરસાદના પાણી ભરાઈ ગયા
ગાંધીનગરમાં સેક્ટર 3 એના ગાર્ડનમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતાં. આ ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોકમાં આવતા લોકોને પાણીના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાર્ડનમાં પાણી ભરાઈ જવાને કારણે સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. સ્થાનિકોએ કહ્યું હતું કે, અહીં ગાર્ડન કરતા સ્વિમિંગ પૂલ વધારે લાગે છે. ગાર્ડનમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને વોકિંગ કરવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ગાર્ડનમાં નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી પાણીની મજા લેતા જોવા મળ્યા હતાં.
સેક્ટર ત્રણમાં રોડ પર ખાડા પડી ગયાં
બીજી તરફ સેક્ટર ત્રણમાં રોડ પર ખાડા પડી ગયાં છે. ભારે વરસાદને કારણે એક તરફનો રોડ બેસી ગયો હતો. જ્યાં એક કાર પણ ફસાઈ ગઈ હતી. આ રસ્તા મુદ્દે કોર્પોરેશનને લોકો તરફથી અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. જેના કારણે વાહનચાલકોને રોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આખો દેશ ગુજરાત મોડેલને ફોલો કરે છે. ગુજરાત મોડેલની વાતો થઈ રહી છે. તેવામાં ગુજરાતના પાટનગરની જ અવદશા જોઈને સ્થાનિકોમા રોષ જોવા મળી રહ્યો છે. મહાનગર પાલિકાના પ્રિ મોન્સૂન પ્લાનના જાહેરમા ધજાગરા ઉડ્યાં છે.