કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે દીવ ફિશરીઝ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી માછીમારો, બોટ માલિકો, ફિશરમેન એસોસિએશન વગેરેને તારીખ 27થી 30 ઓક્ટોબર સુધી દરિયો નહિ ખેડવા માટે સૂચન કર્યુ છે. અરબી સમુદ્રમા ઊંચા મોજા તથા હવાની ગતિ 40થી 60ની ઝડપે ફૂકાવવાની શક્યતા છે. જેને લઈ દરિયામા માછીમારી માટે ગયેલા હોય તેને પરત બોલાવી લેવામા આવ્યા છે. માછીમારોને માછીમારી કરવા પર તારીખ 30 સુધી પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.


માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી

રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં ભારે પવનને કારણે વાવાઝોડાની સ્થિતિ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તે છતાંય માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવામાં આવી રહી છે.

આજે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરાયું

કેન્દ્રીય હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતાઓ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર ગુજરાત પર પડશે. આ અસર આગામી 31 તારીખ સુધી રહેશે. આ ડિપ્રેશનની અસર અરબી સમુદ્રથી લઈને છેક ઉત્તર પ્રદેશ સુધી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે વરસાદમાં ઘટાડો થશે. ત્યાર બાદ 29થી 31 તારીખ સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ વરસાદ રાજસ્થાન અને દિલ્હી સુધી અસર કરશે.


  • Follow us on: