જામનગરમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરી ધમાકેદાર પધરામણી કરી છે. આજે જામનગરના જોડિયા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં આજે સવારથી જ જોડિયાના કુન્નડ, લીંબુડા સહીત આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસના વિરમ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.  ધોધમાર વરસાદના કારણે નદીઓ અને ડેમમાં પાણીની આવક વધી.


વિસ્તારો જળબંબાકાર થયા

આજે વરસાદે જામનગરમાં ધબડાટી બોલાવતા તમામ વિસ્તારો જળબંબાકાર થયા. જોડિયાના કુન્નડ, લીંબુડા સહિત ગ્રામ્યમાં આજે વરસાદનું જોર જોવા મળ્યું. ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પર તેની અસર જોવા મળી છે. જુલાઈના આરંભમાં જોડિયામાં ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત માનપર, બાલંભા, લખતર, ભાદરા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું જોર જોવા મળ્યું હતું.

વરસાદથી છલકાયા નદી-નાળા

ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા. ભારે વરસાદને પગલે રંગમતી ડેમ ઓવરફલો થયો હતો. જેના કારણે રંગમતી ડેમના દરવાજા ખોલતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. આજે જામનગર ઉપરાંત બનાસકાંઠામાં પણ મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો સરેરાશ 50 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂકયો છે. આ વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સારા વરસાદના કારણે ખેડૂતોને વધુ પાક થતા સારા વળતરની આશા બંધાઈ છે.

  • Follow us on: