જામનગરના કાલાવડ નાકાહાર આવેલા મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં આજે સવારે બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પોતાના પુત્રને સ્કૂલે મૂકવા જઈ રહેલા એક માતા-પુત્ર કાચા રસ્તા પાસેના ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે સ્થાનિકો અને 108 ની ટીમે સમયસર પહોંચી તેમને હેમખેમ બહાર કાઢ્યા હતા, પરંતુ માતાને ઈજા થતાં તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણો કેવી રીતે બની ઘટના
તમને જણાવી દઈ કે, આજરોજ સવારે રેશ્માબેન સંજયભાઈ (ઉં.વ. 39) પોતાના GJ-10-ED-5936 નંબરના સ્કૂટર પર પુત્રને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. તે સમયે કાચા રસ્તા પાસે અચાનક તેમનું વાહન ખાડામાં નમી ગયું અને બાજુમાં જ બનાવાયેલી ભૂગર્ભ ગટરની આશરે 15 ફૂટ ઊંડી ખુલ્લી કુંડીમાં માતા-પુત્ર બંને પડ્યા. આ બનાવ બનતા જ ત્યાંથી પસાર થતા અન્ય વ્યક્તિનું ધ્યાન પડતા તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો અને 108 ની ટીમના સંયુક્ત પ્રયાસોથી મહિલા અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
રેશ્માબેનને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ
મહત્વનું છે કે, બાળકને કોઈ ઈજા થઈ ન હતી અને તેનો બચાવ થયો હતો. જ્યારે રેશ્માબેનને ઈજા થતાં તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર રેશ્માબેને જણાવ્યું કે, "છેલ્લા 10 થી 15 દિવસથી અહીં કામકાજ ચાલુ છે, પરંતુ કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ કે ચેતવણી સૂચક પાટિયાં મૂકવામાં આવ્યા નથી. જેના કારણે આજે હું મારા બાળક સાથે તેમાં પડી."
જામનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ
આ અંગે જામનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમગ્ર બનાવ અને ત્યાં સાઈન બોર્ડ છે કે નહીં તેની તપાસ કરાવવામાં આવશે તેમ જણાવ્યું છે. જોકે, તંત્રની આ બેદરકારી ભવિષ્યમાં આવા વધુ અકસ્માતો ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે.